વલસાડ: વલસાડ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.  સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાતા  જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ચોમાસાના આરંભમાં જ વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ ધડબડાટી  બોલાવી 6 કલાકમાં જ સાડા 5 ઇંચ થી વધારે વરસાદ ખાબકતા  અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 




ઉમરગામથી જ  મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉમરગામના નિચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓને પાણી પાણી કરી દીધા હતા. આ સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસતો હતો. જો કે ગઈ મોડી રાતથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાનો આરંભ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રથમ જ વરસાદમાં નીચાણવાળા  અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સ્થાનિક વહીવટી તંત્રની પ્રીમોનશુન કામગીરીની પોલ ખુલ્લી હતી. વલસાડના વાપીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. 


જિલ્લામાં  સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયા હતો. ઉમરગામમાં આઠ કલાકમાં જ છ ઇંચથી વધારે વરસાદ વરસતા ઉમરગામના  સ્ટેશન રોડ અને ગાંધીવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. આથી પ્રથમ જ વરસાદમાં જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. 


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ક્યાં આપ્યું યલો અને ઓરેન્જ એલર્ટ ? જાણો


ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અમદાવાદમાં પણ આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મોન્સૂનનો ટર્ફ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.


રાજ્યમાં ક્યાં છે વરસાદની આગાહી


આજે હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.