અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધારનાર બંગાળની ખાડીનું લો પ્રેશર હજુ સક્રિય છે અને તે આજે પૂર્ણ થયા બાદ આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિણમશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સિસ્ટમને કારણે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં અને ખાસ કરીને તટીય વિસ્તારોમાં આગામી 2 જુલાઈ સુધી મધ્યમ વરસાદ યથાવત રહેશે.

ડિપ્રેશન વાયા મહારાષ્ટ્ર ગુજરાતમાં જમીની સ્તરે આગળ વધવાની સાથે ફરીથી આગામી 3 અને 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ હવામાન વિભાગે આગામી 24 કલાક પણ ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમને પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી 3જી જુલાઇ બાદ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે 24 કલાક ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમને કારણે દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 24 કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે. તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે.

આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઇને આગળ વધશે. આ સિસ્ટનને કારણે આગામી મહિના જુલાઇની 3, 4 અને 5 તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.