ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી  અનુસાર રાજ્ય(Gujarat)માં આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી (Heavy Rain)માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Rain)વરસશે.  હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે  સાથોસાથ એક મોનસૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે.  જેને લઈ પૂરા ગુજરાત(Gujarat)ને  સારો વરસાદ મળશે. જો કે, હજુ ગુજરાતમાં 35 ટકા વરસાદની ઘટ છે. 



મહેસાણાના ઊંઝા શહેરમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મુશળધાર વરસાદથી ઊંઝા શહેરમાં પ્રવેશવા માટેનો અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.  અંડરબ્રિજમાં કેડ સમા પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. મુશળધાર વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે. 



બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  બનાસકાંઠાના પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ, ડીસા, ભાભર, દિયોદર, દાંતીવાડા, લાખણી, કાંકરેજ, વડગામ, ધાનેરા સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે.  ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે.  પાલનપુરમાં સતત બે દિવસ વરસેલા ધીમીધારે વરસાદમાં કલેકટર કચેરીમાં વરસાદી પાણી ભરાયા છે.  કલેકટર કચેરીમાં પાણી ભરાતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.  જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસતા ખેતીને ફાયદો થશે. આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કલેકટરે તમામ અધિકારી- કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યા છે. 


પાટણ જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  હારીજમાં તો ધોધમાર વરસાદનું આગમન થયું છે.  મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ખેડૂતોના પાકને વરસાદના કારણે ફાયદો થશે. 


રાજકોટના ગોંડલમાં વીજળી પડતા 3નાં મોત


 


રાજકોટ જિલ્લામાં બુધવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ, જસદણ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ઘટના બની છે.


 


રાજકોટના જસદણ તાલુકાના પ્રતાપુર ગામે વાડી વિસ્તારમાં સાંજના સમયે ત્રણ બાળકો પર વીજળી પડી છે. સાંજના સમયે વાડીના સેઢા પર ત્રણ પિતરાઈ ભાઈઓ ચાલીને જતા હતા ત્યારે જ વીજળી પડતા 15 વર્ષના બે બાલકોના કિશોરોના મૃત્યુ નિપજ્યા છે. જેમને 108 મારફતે જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરતના તબીબે બંન્નેને મૃત ઘોષિત કર્યા હતા.