અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક સપ્તાહ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં ઉદભવેલા ડિપ્રેશનના કારણે વરસાદનું અનુમાન છે.  અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Continues below advertisement

આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે.  છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.  

Continues below advertisement

માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે તાપી, નવસારી,ડાંગ,વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે.  સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.  રાજ્યમાં હજુ ત્રણ દિવસ છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરાઈ છે.  વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  દરિયાકાંઠાના વિસ્તારમાં 50થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે.

રાજ્યના 116 તાલુકામાં વરસાદ

આજે પણ વહેલી સવારથી રાજ્યના 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.  ભાવનગરના મહુવામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે.  ભરૂચના હાંસોટમાં 2.13 ઈંચ વરસાદ, તળાજાના 2.13 ઈંચ, પાલિતાણામાં 1.26 ઈંચ, ડાંગના સુબીરમાં બે કલાકમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે.  ગાંધીનગરમાં બે કલાકમાં 1.61 ઈંચ વરસાદ, વડોદરાના ડેસરમાં 1.1 ઈંચ વરસાદ, સુરતના ઓલપાડમાં 1.1 ઈંચ વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.