અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરી છે.જે મુજબ આજે રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ છુટા છવાયા વરસાદની સંભાવના છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ વખતે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
આજે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
આજે 17 મે 2025ના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચી ગયું છે, જે આગામી 10 દિવસમાં કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસુ ચાર દિવસ વહેલું કેરળ પહોંચવાની ધારણા છે. તેવી જ રીતે, સામાન્ય રીતે ચોમાસુ ગુજરાતમાં 15 જૂનની આસપાસ આવે છે, પરંતુ જો ચોમાસુ આ ગતિએ ચાલુ રહેશે તો તે વહેલું દસ્તક દેશે. ગુજરાતમાં 22 મેથી વરસાદ શરૂ થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે, જે સામાન્ય રીતે 1 જૂનના રોજ આવે છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો આ વર્ષે ચોમાસુ સમય પહેલા આવી શકે છે.
2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે
હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી હતી કે 2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે.