અમદાવાદ: હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં વરસાદ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. કાલે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળુ પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, કાલે દેવભુમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, અમરેલી,ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારે વરસાદને લઈ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વિજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ઉત્તર-મધ્ય ગુજરાત, કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું એલર્ટ આપ્યું છે.રાજ્યમાં ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આગામી એક અઠવાડિયામાં દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની ધારણા છે.
તે ટૂંક સમયમાં ઉત્તર તરફ ઝડપથી આગળ વધવાનું શરૂ કરશે. ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે, ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદ પડશે.