Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના વલોદ, સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવા, સાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ તેમજ તાપીના વ્યારા અને ડોલવણ, સાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 

વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે ૧૨૪ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 

બેજિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

આજે બે જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, પાટણ અને મહેસાણા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે આજે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર અને સુરતમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં પણ આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં છે. પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. તથા જિલ્લાની અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. તેમજ અનેક કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લામાં કોઝવે ઉપર પાણી ફરી વળતા 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. તથા સાપુતારા વઘઇ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ભેખળો ધસી પડવાના બનાવો પણ બન્યા છે.