Unseasonal Rain: કમોસમી વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં ધોધમાર વરસ્યો, ખેડૂત ચિંતિત
Dahod Rain: કમોસમી વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં આજે સવારથી જ કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે.

Dahod Rain: ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે. દાહોદમાં આજે કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. દાહોદમાં વહેલી સવારથી મનમૂકીને વરસાદ વરસ્યો, દાહોદમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે સવારથી કમોસમી વરસાદ તૂટી પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. કમોસમી વરસાદને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ઉલ્લેખનિય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ રેખા સહિત ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થતાં ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દાહોદ, પંમચહાલ, વડોદરા, મહિસાગરમાં સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ખેતરમાં ઉભા પાકને લઇને ચિંતિત છે. ખેતરમાં જીરું, તુવેર, ઘઉં, વરિયાળી, કપાસ, એરેંડા સહિતના પાકને નુકસાન પહોંચે તેવી ભીતી સેવાઇ રહી છે.
છોટાઉદેપુરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ
કમોસમી વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો.
મહીસાગરમાં છૂટછવાયો વરસાદ
મહીસાગર જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા બાલાસિનોર વિરપુર ખાનપુર કડાણા સંતરામપુર તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. ઠંડા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.
વડોદરાના શિનોર અને કરજણ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે તુવેર, કપાસ, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે રોડ-રસ્તા પાણી પાણી થઇ ગયા છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુરત, ભરૂચ, દાહોદ, પંચમહાલમાં છોટાઉદેપુર, વડોદરાના શિનોર, મહીસાગર,ભરૂચના હાંસોટના ઈલાવ, સાહોલ, હાંસોટના સુણેવ, ઓભા, આસર સહિતના વિસ્તારમા કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદના કારણે રોડ-રસ્તા પાણી પાણી થઇ ગયા હતા.
છેલ્લા બે દિવસમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદ, કરા અને વાવાઝોડા સાથે વીજળી પડવાથી હવામાનમાં પલટો આવ્યો છે. જોકે, હવામાન હવે યુ-ટર્ન લઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં ગરમીનું મોજું ફરી વળવાની તૈયારી છે, ફેબ્રુઆરીમાં માર્ચ જેવી ગરમી અનુભવાઈ રહી છે. હોળી પહેલા જ તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે. હવામાન વિભાગે 19 ફેબ્રુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અને 21 અને 22 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે દિલ્હીમાં તાપમાનમાં વધુ વધારો થવાની આગાહી કરી છે. 20 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી છે. 25 ફેબ્રુઆરી સુધીમાં તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેનાથી ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી ગરમીનો અનુભવ થશે.























