Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે, જ્યારે નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 તાલુકાઓમાં 5 થી 12.64 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 36 તાલુકાઓમાં દોઢથી પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 12.64 ઈંચ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 12.36 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10.94 ઈંચ અને પાટણ-વેરાવળમાં 10.08 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માળિયા હાટીનામાં 9.13 ઈંચ, માણાવદરમાં 9.06 ઈંચ અને મહેસાણાના કડીમાં 8.86 ઈંચ વરસાદ નોંધાયો છે. જામજોધપુરમાં 7.05 ઈંચ, કોડીનારમાં 5.98 ઈંચ અને કુતિયાણામાં 5.79 ઈંચ વરસાદ ખાબક્યો છે.
મધ્યમથી ભારે વરસાદ ધરાવતા તાલુકાઓમાં વિસાવદર ખાતે 4.06 ઈંચ, વલસાડ અને વંથલીમાં 3.98 ઈંચ, ઓલપાડમાં 3.78 ઈંચ, ઉપલેટામાં 3.58 ઈંચ અને ઉમરગામમાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 3.39 ઈંચ, તાલાલામાં 3.31 ઈંચ, ખેરગામ અને શિનોરમાં 2.95 ઈંચ, વીજાપુરમાં 2.95 ઈંચ તેમજ ધોરાજીમાં 2.76 ઈંચ વરસાદ વરસ્યો છે. ચીખલી અને ગરબાડામાં 2.68 ઈંચ, ધરમપુરમાં 2.60 ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2.48 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી અને હાંસોટમાં 2.40 ઈંચ, મેંદરડામાં 2.24 ઈંચ, બાયડમાં 2.09 ઈંચ તેમજ વિરપુરમાં 2.05 ઈંચ વરસાદ વરસ્યો છે. અંબિકા વિસ્તારમાં 1.93 ઈંચ અને અન્ય એક માંગરોળ વિસ્તારમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
વલસાડમાં મૂશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સવારથી જ મુશળધાર વરસાદ વરસાવ્યો છે. માત્ર બે કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છીપવાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છીપવાડ અંડરપાસ પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે.
વરસાદની અસર માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી રહી. વલસાડ-ભાગડાવાડા ગામને જોડતા માર્ગ પર પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા. અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. વલસાડ શહેરની સાયન્સ કોલેજના કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી હતી. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત શાળાના આચાર્યોને સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી જણાય તો રજા જાહેર કરવાની સત્તા પણ આપવામાં આવી છે. હાલ જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે
