આ તરફ જામનગર જિલ્લામાં આભ ફાટ્યું છે. જામનગર જિલ્લામાં બે દિવસ દરમિયાન 17થી 20 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. એક જ દિવસમાં મેઘરાજાએ જામનગરનું પાણી અને ખેતીનું ચિત્ર બદલી નાંખ્યું છે. લોકો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા તેની બદલે હાલ કેટલાક વિસ્તારમાં સ્થિતિ એવી છે કે, લોકો મેઘરાજા ખમૈયા કરે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
જામનગરમાં સૌથી વધુ કાલાવડ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેના કારણે કાલાવડ અને જામનગર તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
માળીયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (કેશીયા ગામ પાસે) તા. જોડીયા, રાજકોટ-જામનગર સ્ટેટ હાઇવે(ધુંવાવ, ખીજડીયા ગામ પાસે) તા. જામનગર ગ્રામ્ય અને માળિયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (ખીરી,બાલાચડી ગામ પાસે) તા. જોડીયા તેમજ જામનગર-કાલાવડ-ધોરાજી નેશનલ હાઈવે,(વિજરખી ગામ પાસે)તા. જામનગર અસરગ્રસ્ત થયેલ છે તથા માર્ગ અને મકાન વિભાગે વૈકલ્પિક રસ્તાની આવશ્યક વ્યવસ્થા કરવી પડી છે.
જામનગરના અનેક ગામડાઓ બેટમાં ફેરવાતા SDRF-NDRF ઉપરાંત એરફોર્સની પણ બચાવ કામગીરી માટે મદદ લેવામાં આવી હતી. એક જ દિવસમાં જામનગર જિલ્લામાં 25 પૈકી 17 ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં ખાના ખરાબી સર્જી હતી. જામનગર જિલ્લામાં ફુલઝર-1,સપડા, બાલંભડી ,વોડીસંગ, વાગડીયા, રણજીતસાગર, આજી ૪, ઉંડ૧, ઉંડ 2, ઉમિયાસાગર, વીજરખી, કંકાવટી, ઉંડ 3, ફોફળ 2,ઉંડ 4 અને રૂપારેલ ડેમ ઓવરફ્લો થયા છે.
જામનગર જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા હજુ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.
પાંચ દિવસ વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.