સરહદી જિલ્લા કચ્છ પર મોડીરાત્રે મેઘરાજા મહેરબાન થયા હતા અને અડધાથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. કચ્છના રાપર પંથકમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તો અબડાસા, ભુજ, ભચાઉ, નખત્રાણા અને લખપત તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીધામ, અંજાર સહિતના તાલુકામાં માત્ર ઝાપટા વરસ્યા છે.


રાત્રીના સાડા બાર વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં વીજળી વેરણ બની હતી. આજે સવારના પણ કચ્છના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.


તાપીનો ઉકાઈ ડેમ છલોછલ ભરાયો


દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમની જળસપાટી હવે 339.97 ફૂટ પર પહોંચી ગઈ છે. હજુ પણ મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં 1 લાખ 02 હજાર 211 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સતત પાણીની આવક વચ્ચે ડેમનું રૂલ લેવલ જાળવવા હાઈડ્રોના ચાર યુનિટ ચાલુ કરી 22 હજાર 752 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.


વરસાદ આગાહી


રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.


છેલ્લા બે- ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં વરસાદની 35 ટકા જેટલી ઘટ છે. હાલ તો વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.


વડોદરામાં વરસાદ


વડોદરા જ્યાં રાત્રથી શરૂ થયેલો વરસાદ હજુ સવારના પણ યથાવત રહ્યો છે. વડોદરામાં ચાલુ સિઝનમાં પ્રથમ વખત મેઘરાજા મનમૂકીને વરસ્યા અને રાતભરમાં ચાર ઈંચ જેટલું હેત વરસાવ્યું છે. ચાર ઈંચ વિસ્તારમાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પગલે અલ્કાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં કેડસમા પાણી ભરાયા છે. પાણીના ભરાવાના કારણે હાલ ગરનાળામાં વાહન વ્યવહાર બંધ કરી દીધો છે.


તો પવન સાથે વરસેલા વરસાદના કારણે ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. કાલુપુર ચા લંબોદર ગ્રુપનો ગણેશ પંડાલ તો તૂટી પડ્યો હતો. જેમાં ગ્રુપના બે કાર્યકરોને ઈજા પહોંચી હતી. જોકે ગણેશજીની મૂર્તિ સુરક્ષિત રહી હતી.


તો વડોદરા ઉપરાંત નજીકના ડભોઈ પંથકમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ડભોઈમાં મોડી સાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. દિવસ દરમિયાન છૂટ્ટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા બાદ ડભોઈ પંથકમાં મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળશે.