અમદાવાદ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમૂક જગ્યાએ તો કરા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે.  સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, રાજકોટ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે છોટા ઉદેપુરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દાહોદમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. 

Continues below advertisement

અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદ

રાજ્યમાં આજે શનિવારે અમરેલી સહિત 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગેલે અમેરલી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી સહિત મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. 

Continues below advertisement

અમરેલી જિલ્લાના બાબરા, ખાંભા, વડિયા, બગસરા, કુંકાવાવ અને ધારી પંથકમાં જોરદાર વરસાદ પડ્યો છે.  ગામડાઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો હતો. 

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ

છોટા ઉદેપુર જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.   વાવાઝોડાની સૌથી મોટી અસર છોટાઉદેપુરના ઝોઝ કેવડી રસ્તા પર જોવા મળી છે, જ્યાં વૃક્ષો ધરાશાયી થવાને કારણે રસ્તો  બંધ થઈ ગયો છે. માર્ગ ખુલ્લો કરવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અન્ય જગ્યાઓએ પણ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો મળ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ,  નસવાડી, બોડેલી, પાવીજેતપુર, સંખેડા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  16 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન  30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના  જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય હવામાન વિભાગે (IMD) આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ  જાહેર કર્યું છે, જેમાં 15 થી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે.  નોંધનીય છે કે, જૂન 15-16 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે.