વરસાદી સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાત સુધી પહોંચી હતી જેના કારણે રાજ્યનાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટે અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સેલવાસ, દાદરાનગર હવેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગરમાં સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
તા 9 ઓગસ્ટે ડિપ્રેશન લો-પ્રેશર બનીને ગુજરાત પર પહોંચ્યું છે. જેના કારણે સમગ્ર ગુજરાતનાં મોટા ભાગોમાં 25થી 50 કિ.મી.ના ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ-ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
તા 10 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ 10 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિ.મી. થી વધારે રહેશે.
આ ઉપરાંત 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.