અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોની ઉપર લો પ્રેશર બન્યું છે. જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. આ કારણે ભારે વરસાદની શક્યતા છે.   હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે મંગળવારે દાહોદ, પંચમહાલ, આણંદ,વડોદરા,છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સર્જાતા  દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. 

આ સિવાય અન્ય જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં  સરેરાશ 62.53 ટકા  વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સરેરાશ 60.57 ટકા વરસાદ  વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આગામી પાંચ દિવસ દરિયો તોફાની બની શકે છે.  ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે.  માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન  ફૂંકાઇ શકે છે.

29મી જુલાઈ મંગળવારે સુરત, નવસારી, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. 

30 અને 31 જુલાઈના રોજ જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની શક્યતા છે. 1 અને 2 ઓગસ્ટના રોજ જામનગર, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત, નવસારી, આણંદ, વડોદરાના અનેક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર હશે.  જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે શ્રાવણ મહિનામાં ભરપુર વરસાદ પડશે.  ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

વરસાદી સિસ્ટમ સક્રિય થશે

ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસશે.  એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે.