Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે અને તેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 15 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે (શુક્રવાર) સવારે 6 થી બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 4.17 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં તેમને આખી રાત હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ, તેમના પરિજનો અને હોસ્પિટલના સ્ટાફને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. દર્દીઓના વોર્ડ સુધી પાણી પહોંચી જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.
અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓના વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અને અનિવાર્ય ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
ચોમાસાનો સરેરાશ વરસાદ અને ઝોનલ વિતરણ
નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં પડેલા વરસાદની દ્રષ્ટિએ, અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં 58.46 ટકા નોંધાયો છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા નોંધાયો છે.
NDRF અને SDRFની ટુકડીઓ તૈનાત
ચોમાસાને કારણે ઊભી થઈ શકે તેવી કોઈપણ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે, રાજ્ય સરકારે પૂર્વ આયોજનના ભાગરૂપે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની 12 ટુકડીઓ અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની 20 ટુકડીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી છે. વધુમાં, NDRFની 3 ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં, સુરક્ષાના ભાગરૂપે કટોકટીગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 4,278 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 689 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માછીમારોને પણ આગામી 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
વીજ પુરવઠો અને GSRTC સેવાઓ અબાધિત
ચોમાસાની આ સિઝન દરમિયાન, ભારે પવન સાથેના વરસાદને કારણે રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જોકે, આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે, અસરગ્રસ્ત ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે રીપેર કરીને કાર્યરત કરવામાં આવ્યા છે.
ભારે વરસાદ હોવા છતાં, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ની એક પણ બસનો રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત કુલ 14,598 એસ.ટી. રૂટ પરની 40,264 ટ્રીપમાંથી વરસાદને કારણે એક પણ રૂટ કે ટ્રીપ રદ કરવામાં આવી નથી. GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે.