ગાંધીનગર: ગુજરાતમાં સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 7 ઓગસ્ટ એટલે કે, આજે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ પડશે. કાલે એટલે કે સોમવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, સુરત, ભરુચ વરસાદની આગાહી કરાઈ છે. 9 ઓગસ્ટે અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરુચમાં વરસાદ પડશે.
10 ઓગસ્ટે નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે. 11 ઓગસ્ટે અમદાવાદ, વડોદરા, અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, સુરેંદ્રનગર, મોરબી, પાટણ, ગાંધીનગર, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગના મતે ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજુલાના હિંડોરણા, ખાખબાઈ, છતડીયા અને ડુંગર વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રીંગણીયાળાથી ઘુઘરીયાલી રોડ પર ધાણો નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તો આ તરફ જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 63 ટકા વરસાદ વરસ્યો છે.
અમરેલી તાલુકામાં સિઝનનો 66.36 ટકા વરસાદ વરસ્યો છે. બાબરામાં સિઝનનો 65.62 ટકા, બગસરામાં સિઝનનો 64.47 ટકા, ધારીમાં સિઝનનો 64.50 ટકા, જાફરાબાદમાં સિઝનનો 36.10 ટકા, ખાંભામાં સિઝનનો 75 ટકા, લાઠીમાં સિઝનનો 58.35 ટકા, લીલીયામાં સિઝનનો 49.93 ટકા, રાજુલામાં સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચુક્યો છે.