ગાંધીનગર:  સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર,જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


બુધવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ,વલસાડ, નવસારી, રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા,બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેંદ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો છે.  ધરમપુર, કપરાડા, વાંસદા, ચિખલી, ખેરગામ, આહવામાં નોંધાયો છે. આ  ઉપરાંત  સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 


વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે, જેના કારણે ઓરંગા નદી ગાાંડૂતૂર બની છે. વલસાડ ઓરંગા નદી દ્વારા તેની બંને બાજુ જે પ્રમાણે પૂરને લઈને તારાજી સર્જાય છે તેના એરિયલ ફોટોગ્રાફ બતાવે છે કે કેટલા વિસ્તારમાં નદીનું પાણી ફરી વળ્યું છે. હાલ ઓરંગા નદીથી હનુમાન ભાગડા, લીલાપોર, વેજલ પોર, બરૂડિયા વાડ, તરિયા વાડ, કાશ્મીરા નગર, જેવા વિસ્તારો પ્રભાવિત થયા છે.


300થી વધુ લોકોનું સ્થળાંતર


ઓરંગા નદીમાં પુર આવતા અનેક લોકો ફસાયા છે. એનડીઆરએફની ટીમે અત્યાર સુધી 70થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા છે. જ્યારે 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓરંગા નદીના પ્રવાહમાં જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અઢી કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી જેસીબી મશીનમાં ફસાયેલા વ્યક્તિને સલામત બહાર કાઢવામાં આવ્યો છે.