Gujarat Weather Today: હવામાન વિભાગ (IMD) એ આગામી 7 દિવસ એટલે કે, 18મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં હાલમાં કુલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આ આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે અલગ-અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે:
આજે (18મી ઓગસ્ટ): આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ માટે યેલો એલર્ટ જારી કરાયું છે.
આવતીકાલે (19મી ઓગસ્ટ): અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ફરીથી સક્રિય ચોમાસુ
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ફરીથી સક્રિય થઈ ગયું છે, જેના કારણે છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોમવારે દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરતમાં 23મી ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટ માટે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ, નવસારી, વલસાડ અને દમણ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અતિભારે વરસાદનો સંકેત આપે છે. આ વરસાદી માહોલને કારણે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે, સાથે જ શહેરના ઘણા વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો સુંદર માહોલ સર્જાયો છે.