Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં દરિયો તોફાની બન્યો, બંદર પર 3 નંબરનું સિગ્નલ
વાવાઝોડાના ખતરા વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દીવ સહિત ગીર સોમનાથ જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

ગીર સોમનાથ: વાવાઝોડાના ખતરા વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દીવ સહિત ગીર સોમનાથ જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તેમ છતાં કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરવા જઈ રહ્યા છે. આજે ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી હતી.

વેરાવળના આદ્રી અને નવાપરા ગામની વચ્ચેના દરિયાકિનારે પથ્થર સાથે ટકરાતા બોટનો ભૂક્કો બોલી ગયો અને બોટે જળસમાધિ લીધી હતી. જો કે બોટમાં સવાર માછીમારોને બચાવી લેવાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી બોટ ડૂબી છે. વરસાદી માહોલ વચ્ચે જામવાળા નજીક આવેલા જમજીરના ધોધે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે.
ગીર જંગલમાં વરસાદને લઈ જમજીરનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જમજીરના ધોધને નિહાળવું એક લહાવો છે. અહીં દૂર-દૂરથી પર્યટકો આવે છે. જો કે, આ ધોધ અનેક લોકોની જિંદગી છીનવી ચૂક્યો છે. સેલ્ફીના ચક્કરમાં પર્યટકોને ધોધની ભયાનકતાનો ખ્યાલ આવતો નથી અને જીવ જોખમમાં મુકે છે.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. હવે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું, કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક ડીપ ડિપ્રેશન સક્રિય બન્યું છે. હવામાન વિભાગ અનુસાર 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધશે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ફરી એક સપ્ટેમ્બરથી વધુ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ
આજે મોન્સૂન ટ્રફ, ડીપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંદરગાહ ઉપર LC 3 નું સિગ્નલ આપવામાં આવ્યું છે . સામાન્ય કરતા અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.
Gujarat Rain: 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી





















