હવામાન વિભાગ મુજબ અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 31 મે સુધી છુટાછવાયાની સાથે ભારે વરસાદ વરસી શકે છે. વલસાડ જિલ્લાના તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. તિથલના દરિયામાં ઊંચા મોજા ઉછળતા પ્રવાસીઓને તકેદારી રાખવા પ્રશાસને અપીલ કરી હતી. દરિયાકાંઠા વિસ્તારમાંથી મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા હતા. ભાવનગર જિલ્લાના મહુવામાં ઊંચા કોટડાના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયા કિનારે ન જવા પ્રવાસીઓને પ્રશાસને સૂચના આપી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરના ઉંચા કોટડાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ઉંચા કોટડાના દરિયામાં ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. અમાસની ઓટના કારણે દરિયાનું પાણી છેક બહાર સુધી પહોંચ્યુ હતું. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠા નજીક પ્રવાસીઓને ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દ્વારકાના ગોમતી ઘાટ બાદ સનસેટ પોઈન્ટ અને ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક પણ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં 10 ફુટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દરિયાના પાણીનો કલર બદલાય ગયો હોય તેમ ઊંચા ઊંચા મોજા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

સુરતમાં ડુમસના દરિયામાં પણ જબરદસ્ત કરંટ જોવા મળ્યો હતો. અમાસની ભરતીને કારણે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના પાણીથી ગણેશ મંદિરના પગથિયા પણ ડૂબ્યા હતા. જો કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યુ છે.  સહેલાણીઓને દરિયાકાંઠેથી દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ તરફ વલસાડના તિથલ દરિયાકાંઠે પણ ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા. સીમા ઓળંગીને તિથલનો દરિયો આગળ વધી રહ્યો હતો. જો કે દરિયામાં ભારે કરંટ વચ્ચે પણ પ્રવાસીઓ પોતાના બાળકો માટે ઉછળતા ઉંચા મોજાની મજા માણતા જોવા મળ્યા હતા. પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત તો ગોઠવવામાં આવ્યો છે. પરંતુ દરિયા કિનારો ખૂબ જ મોટો હોવાથી દરેક જગ્યા પર ધ્યાન રાખવુ પણ મુશ્કેલ બની રહ્યું છે.

હવામાન વિભાગ મુજબ આજથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના અલગ અલગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ 31 મે સુધી દરિયામાં ભારે કરંટ જોવા મળશે. તો 30 અને 31 મેના દિવસે માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે આગામી અઠવાડીયાથી ગુજરાતમાં ચોમાસાના આગમનની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.