Holi 2023:  રાજયમાં ધૂળેટી અમંગળ બની છે. રાજ્યમાં ધૂળેટીના દિવસે ડૂબી જવાની અલગ- અલગ છ ઘટના બની. સુરત, વડોદરા, રાજકોટ, બોટાદમાં એક બાળક સહિત કુલ 13 લોકોના મૃત્યુ થયા છે.


સુરતમાં ડૂબતા યુવકને બચાવવા જતો બીજો પણ ડૂબ્યો


સુરતમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો હતો..ધૂળેટીને લઈ કોઝવેમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા.એક યુવક ડૂબવા લાગતા બીજો યુવક પણ તેને બચાવવા તાપીમાં પડ્યો, જો કે બંનેનું ડૂબી જતા મોત થયું.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.


મહેસાણાના ખેરાલુ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા.નાની હીરવાણી ગામમાં માછલા પકડવા ઉતરેલા 3 યુવાનો તળાવમાં ડૂબ્યા.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી અને ત્રણેય યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા.


રાજકોટના આજીડેમમાં ડૂબી જતા એક યુવાનનું મોત થયું છે. ધૂળેટી રમી આજીડેમમાં નાહવા ગયા હતા ત્યારે ઘટના બની હતી. 19 વર્ષીય યુવકના મોતથી પરિવાર ઘેરા શોકમાં છે. ફાયર બ્રિગેડની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો.


વડોદરાના પાદરાની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા હતા. જેમાં એક બાળકનું મોત થયું હતું. ધૂળેટી રમ્યા બાદ બાળકો કેનાલમાં હાથ પગ ધોવા ગયા હતા.


બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હતા. કેનાલમાં નાહવા પડેલા ચાર યુવકો પૈકી ત્રણની લાશ મળી આવી છે, એક યુવકની ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ ચારે યુવકો બોટાદ શહેરના પાળીયાદ રોડ અશોકવાટિકાના રહેવાસી છે. 


ઓસ્ટ્રેલિયાના પીએમનું અમદાવાદમાં આગમન


ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી તેઓ ગાંધી આશ્રમ ગયા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો. તેમણે લખ્યું, 'ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે' પીએમ એન્થોનીને ઓસ્ટ્રેલિયાના સંશોધક થોમસ વેબર દ્વારા લિખિત ' ધ સોલ્ટ માર્ચ ' પુસ્તક આપવામાં આવ્યું હતું.