Gujarat Assembly Elections 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં એક બાદ એક સભાઓ ગજવી રહ્યા છે. આજે અમિત શાહ નર્મદાના રાજપીપળા ખાતે પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો. રાજપીપળાના સૂર્ય દરવાજાથી ચોક આંબેડકર સુધી અમિત શાહે રોડ શો કર્યો હતો. નર્મદા જિલ્લાની બે બેઠકો માટે અમિત શાહ પ્રચાર કરી રહ્યા છે. રાજપીપળામાં રોડ શોના રૂટ પર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.
નાંદોદ વિધાનસભા બેઠક પર 2012માં શબ્દશરણ તડવીની જીત થઈ હતી. વર્ષ 2017માં પ્રેમસીંહ વસાવા કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. આ વર્ષે ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષે બળવો કર્યો છે. આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ નાંદોદ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી છે. ડેડીયાપાડા બેઠક પર 2012માં ભાજપની જીત થઈ હતી. ડેડીયાપાડા બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન હોવાથી બીટીપી ઉમેદવાર મહેશ વસાવા જીત્યા હતા.
નરેન્દ્રભાઇએ ગામડામાં 24 કલાક વીજળી આપવાનું કામ કર્યુઃ અમિત શાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નડીયાદના આડીનારમાં સભા સંબોધી હતી. સભામાં ભાજપ ઉમેદવાર પંકજ દેસાઇ, કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા. વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા. રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાતમાં મળી છે. ગુજરાતમાં સૌથી વધુ મૂડી રોકાણ આવ્યું છે. સૌથી વધુ સ્ટાર્ટ અપ ગુજરાતમાં નોંધાયા છે. વોટબેન્કના ડરથી કોગ્રેસે 370ની કલમ હટાવી નહીં. જમ્મુ કાશ્મીરમાં કોઇએ કાકરી ચલાવવાની પણ હિંમત કરી નથી. એક જાન્યુઆરી 2024માં અયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર બની જશે. દેશના તમામ ધાર્મિક સ્થળોને પુનઃ ઉર્જાવાન કરવાનું કામ કર્યું છે. મહુધાના લોકો આ વખતે ભૂલ ના કરતા. કોગ્રેસના શાસનમાં 12 લાખ કરોડના કૌભાડો થયા છે. કોગ્રેસના રાજમાં કૌભાંડો ગણાતા નથી. મોટા વર્ગ સાથે કોગ્રેસે અન્યાય કર્યો છે.
અમિત શાહે કહ્યું કે અગાઉ ખેડામાં આરોગ્યની સ્થિતિ કથળેલી હતી. ગરીબો માટે સારવારની કોઇ વ્યવસ્થા નહોતી. આજે ગરીબોને સારામાં સારી હોસ્પિટલમાં સારવાર મળે છે. ગરીબ બાપ કહેતો કે દીકરા તારા પર દેવું ન થવું જોઇએ. કોરોનામાં વિનામૂલ્યે 200 કરોડ રસીના ડોઝ અમે આપ્યા છે. એક તરફ પરિવારવાદ, વંશવાદ , જાતિવાદથી ઘેરાયેલી કોગ્રેસ પાર્ટી છે.
બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્રણેય પાર્ટી ગુજરાત પર સતા મેળવવા માટે જંગ લડી રહી છે.કોંગ્રેસે તેનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે તો આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી સહિતના કેટલાક વચન આપ્યાં છે. તો ભાજપ આવતી કાલે સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે.
વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ત્રિપાંખિયો જંગ જામતા મુકાબલો રસપ્રદ બન્યો છે. મતદાતાને રિઝવવા માટે જુની પેન્શન યોજના શરૂ કરવા સહિતના કોગ્રેસે સંકલ્પપત્રમાં વચન આપ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ આવતી કાલે ભાજપ સંક્લ્પ પત્ર જાહેર કરશે.
ઉલ્લેખનિય છે કે સંકલ્પપત્રમાં ભાજપ આ વખતે અગ્રસેર શબ્દોનો ખાસ ઉપયોગ કરશે. જેમાં ખેતી અગ્રેસર, અર્થતંત્ર અગ્રેસરએ ભાજપનો સંકલ્પ હશે. રોજગારી અને રોકાણને ભાજપના મેનિફેસ્ટોમાં સ્થાન અપાયું છે તો પ્રાથમિક સુવિધા, મહિલાઓની સુરક્ષા એ ભાજપના મેનિફેસ્ટોનો ખાસ મુદ્દો હશે.