આણંદ: રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી બબાલમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિજનોએ રાજ્ય સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી છે.
ઘરના મોભીનું નિધન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગંધરકવાળા ખાતે રહેતા મૃતક કનૈયાલાલ રાણાના પરીવારમાં 3 બાળકો, ધર્મપત્ની અને માતાનો સમાવેશ થાય છે. મૃતકના પુત્રએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી છે.


નોંધનિય છે કે, રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા પર એક જૂથ દ્રારા પથ્થરમારો કરવામાં આવતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યાર બાદ આમને સામને થયેલા પથ્થરમારામાં 10 પોલીસ કર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસમાં પીઆઈ અને ડીવાયએસપીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 2 દુકાનો અને 2 ઘરને આગ પણ ચાપવામાં આવી હતી.
તો બીજી તરફ ગૃહમંત્રીએ આ મામલે ડીજીપી આશિષ ભાટિયા સાથે મીટિંગ કરી હતી જેમાં સીઆરપીએફ, એસપી તથા આઈજી પોલીસ કાફલાની સુરક્ષા વધારવાની ચર્ચા કરી હતી. ખંભાત ડી.વાય એસપી, એસ.પી સાથે રેન્જ આઈજીની મિટિંગ યોજી હતી. અત્યાર સુધીમાં 9 લોકોની ઘરપકડ કરવામાં આવી છે. હાલ શહેરમાં સ્થિતિ સામાન્ય છે.


ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. ઘટાની ગંભીરતાને લઈ પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો હોત.  પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણ  થયું હતું. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ખંભાત પોલીસ  ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો થતા તંગદિલી સર્જાઇ છે. ગંભીર ઘટનાને લઇને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ASP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ  પણ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં.


ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રવિવારે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બપોરના સુમારે મંદિરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જોકે, આ શોભાયાત્રા હજુ 500 મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી દરગાહ નજીકથી પસાર થતા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.