વલસાડ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સમાજના મોટા આગેવાનોને પોતાના પક્ષમાં જોડવા માટે મહેનત કરી રહ્યા છે. ખોડલધામના નરેશ પટેલને કૉંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પક્ષમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને પક્ષમાં જોડાવવા કહ્યું હતું. હવે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ચોંકાવનારો દાવો કર્યો છે. સુખરામ રાઠવાએ કહ્યું, પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્ક માં છે. 10 કરતા વધુ ભાજપના મોવડી મંડળના સભ્યો અને ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું, નરેશભાઈ કોંગ્રેસમાં આવે તો 2022માં કૉંગ્રેસ સરકાર બનાવશે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો નરેશભાઈને સીએમ બનાવશે કે નહિ આ મુદ્દે કોંગ્રેસ મોવડી મંડળ નક્કી કરશે. વલસાડના કપરાડામાં યોજાયેલી રેલીમાં સુખરામ રાઠવાએ આ નિવેદન આપ્યું છે.
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાર્દિક સામેના 2 સહીત પાટીદાર અનામત આંદોલનના 10 કેસો પરત ખેંચાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસો પરત ખેંચશે. 15 એપ્રિલે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે પાટીદાર અનામત આંદોલન સમયના આ 10 કેસોમાં હાર્દિક પટેલ સામેના 2 કેસ, કૃષ્ણનગરના 2 કેસ, નરોડા,રામોલ,બાપુનગર,ક્રાઈમ બ્રાંચ,અમદાવાદ રેલ્વે,સાબરમતી,નવરંગપુરા, શહેર કોટડાના એક એક કેસનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે.
આ અંગે નિવેદન આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય તેમજ આપ નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગુજરાત સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ, પણ તમામ કેસો પરત ખેંચાશે ત્યારે પૂર્ણ સંતોષ થશે.