આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે કૃષિ નુકસાની અંગે રાજ્ય સરકારે રાત્રીના સહાય પેકેજની જાહેરાત કરી દીધી છે. ગુજરાત પર તાજેતરમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી.


ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે.


કાયમી નાશ પામેલા બાગાયતી પાકો માટે રૂ.1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.


ખાલી પાક ખર્યો હશે તો પ્રતિ હેક્ટર રૂ.30,હજારની મદદ રાજ્ય સરકાર કરશે. એટલે કે બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે, તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.


33 ટકાથી વધુ નુકસાન પામેલા ઉનાળુ પાકો માટે રૂ. 20 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે  ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.