રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ પ્રતિ 50 કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવ 1,720 રૂપિયા થયા હતા. આ નવો ભાવ વધારો ત્રણ જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો. રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.
કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ કહ્યું હતું કે ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખેડૂત નેતા જયેશ પટેલે કહ્યું હતું કે ખાતર પરનો ભાવ વધારો પોસાય તેમ નથી. ખાતરના ભાવ વધારાથી ખેડૂતોને મોટો ઝટકો લાગશે.
કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે કહ્યું હતું કે ખાતર પરનો ભાવ વધારો અયોગ્ય છે. આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યુ હતું કે ભાજપ સરકારમાં ખેડૂતને વધુ એક ઝટકો પડ્યો છે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો હતો. ભાવ વધારાનું કારણ સરકારે જાહેર કરવું જોઇએ. દર વર્ષે બિયારણ અને ખાતરના ભાવ વધે છે. રાજ્યમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સરકારનો ખેડૂત પ્રત્યેનું વર્તન યોગ્ય નથી.
બીજી તરફ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના ખેડૂતોએ કહ્યું એક પણ જણસના ભાવ સારા મળતા નથી. ડુંગળી,મરચાં, મગફળી, કપાસ સહિતની મુખ્ય જણસના ભાવ આ વર્ષે તળિયે પહોંચ્યા હતા. ગત વર્ષ કરતાં પણ દરેક જણસના ભાવ ઓછા મળી રહ્યા છે. ઉત્પાદન પડતર કરતા પણ નીચા ભાવે ખેડૂતોને વેચવાની ફરજ પડે છે. રાજકોટ જિલ્લામાં મરચાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષ કરતા મરચાના એક મણના ખેડૂતોને 50 ટકા ઓછા ભાવ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને એક મણ મરચાના રૂપિયા 2000થી 2500 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષ કરતા ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું અને ભાવમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો.