Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાક માટે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, કચ્છ અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તીવ્ર પવન અને વિજળીના કડાકા-ભડાકા સાથે મૂશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

Continues below advertisement

Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી

આગામી કલાકોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકાને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સ્થાનિક લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સલામત સ્થળે રહેવા જણાવાયું છે. પૂર અને જળબંબાકારની પરિસ્થિતિને પહોંચી વળવા આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

27 જુલાઈ બાદ ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર ચાલુ રહેશે. તેમણે આગાહી કરી છે કે 27 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જેમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

ઓગસ્ટમાં પણ અણધાર્યા વરસાદની શક્યતા

તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસું હજુ સક્રિય રહેશે અને ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે. ખેડૂતો, પ્રવાસીઓ અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.