ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાનું સૂત્રાપાડા જ્યાં લગ્નવાંછૂક એક શખ્સ સાથે છેતરપિંડી કર્યાના આરોપમાં 3 મહિલા સહિત ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.  સૂત્રાપાડાના હરણાસા ગામના એક શખ્સ લગ્ન કરવા માંગતો હતો. તેણે લગ્ન કરાવી આપતા એક મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલાએ ફરિયાદી શખ્સના લગ્ન કૌશરબાનુ સાથે કરાવ્યા હતા.  


કૌશરબાનુએ ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતાનું નામ રિંકલ પંડ્યા હોવાનું કહ્યું હતું. 1 લાખ, 30 હજાર રૂપિયા પડાવ્યા હતા.  લગ્ન બાદ કૌશરબાનૂ નાસી છૂટી અને ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.  ભોગ બનનાર શખ્સની ફરિયાદ બાદ 3 મહિલા સહિત ચાર આરોપી ઝડપાયા છે.  જ્યારે અન્ય 2 આરોપી હજુ ફરાર છે.  1.30 લાખની છેતરપીંડી  બાદ પણ  ફરિયાદ કરવાની ધમકી આપતા ફરીયાદી પોલીસના શરણે ગયો હતો અને પૈસા પડાવતી આ ગેંગનો ભાંડો ફૂટી ગયો છે. 


અજય સાથે લગ્ન કરનાર કૌશરબાનુ અશરફભાઈના પત્ની હતા.  બે સંતાનોની માતા હતા.  કૌશરબાનું ખોટા દસ્તાવેજો ઊભા કરી કૌશરબાનૂમાંથી  રીંકલ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજયભાઈ સાથે  લગ્ન કરાવ્યા હતા. લગ્ન  બાદ આ કૌશરબાનૂ ઉર્ફે રીંકલ 10 દિવસ સુત્રાપાડા ખાતે રહી હતી. બાદમાં ત્યાંથી ભાગી ગઈ  હતી. બાદમાં અજયને ધમકી આપવા લાગ્યા અને તમારા પર અમે કેસ કરીશું તેવું જણાવતા અજય સોલંકી પોલીસ સમક્ષ આખી ફરિયાદ આપી હતી. 


સુરત કતારગામમાં થયેલી 8 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો


સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 8 કરોડની લૂંટના ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, આ ઘટનામાં ફરિયાદી જ તપાસના અંતે આરોપી નીકળ્યો છે. સહજાનંદ ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા કર્મચારીએ 8 કરોડની ઉચાપત કરી હતી અને આ ભાંડો ન ફૂટે એટલે તેને પોતાના મિત્રો સાથે મળીને લૂંટની ઘટનાને ઉપજાવવી કાઢી હતી. 8 કરોડની ઉચાપતમાંથી તેણે 5 કરોડ રૂપિયા શેર બજારમાં રોકીને તેની નુકસાની કરી હતી.


સુરતમાં કતારગામ વિસ્તારમાં 27 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ કતારગામના સેફ વોલ્ટમાંથી 8 કરોડ રૂપિયા લઈને મહિધરપુરા સેફ વોલ્ટમાં મૂકવા જતા હતા ત્યારે અજાણ્યા એક સમયે પોતાની ઓળખ ઈન્કમટેક્સ અધિકારીની આપી ગાડીમાં બેસી બંદૂકની અણીએ લૂંટ ચલાવ્યું હોવાની એક ફરિયાદ દાખલ થઈ હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા કે એક વ્યક્તિ ઇકોની અંદર બેસે છે.


સમગ્ર મામલે તપાસ એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ અને ડીસીપી ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદ કરનાર નરેન્દ્ર દુધાત જ આ ઘટનાનો માસ્ટર માઈન્ડ છે. નરેન્દ્ર દુધાત સહજાનંદ ટેકનોલોજીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતો હતો અને તેને છેલ્લા 5 વર્ષમાં 8 કરોડ રૂપિયાની ઉચાપત કંપની સાથે કરી હતી. કંપનીને આ ખબર ન પડે એટલા માટે તેને આ લૂંટનું કાવતર કર્યું અને પોતાના મિત્ર રોહિત ઠુંમરની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. 


મહત્વની વાત કહી શકાય કે નરેન્દ્ર દુધાતે કંપની સાથે છેતરપિંડી કરીને જે 8 કરોડ લીધા હતા તેને શેર માર્કેટમાં રોક્યા હતા અને ત્યારબાદ તેને 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલા માટે જ તેને પોતાના મિત્ર રોહિત ઠુંમરને આ બાબતે વાત કરી અને 5 લાખ રૂપિયા આપીને લૂંટનું નાટક કરવાનું જણાવ્યું હતું. રોહિતની સાથે કલ્પેશ કશવાળા નામના મિત્રને પણ નરેન્દ્ર દુધાતે પોતાની સાથે રાખ્યો હતો. કારમાં પૈસાની જગ્યા પર કાગળ ભરેલા બેગ મુકવામાં આવ્યા હતા અને ત્યારબાદ લૂંટ થઈ હોવાનું આખું નાટક કરવામાં આવ્યું હતું અને અંતે આ ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે.