રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એક ઈંચથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખેડામાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તો નર્મદાના ડેડિયાપાડામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.


આણંદમાં પણ છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો. તો સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઈંચ. સુરતના માંગરોલમાં સવા બે ઈંચ તો નવસારીમાં પણ સવા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના સાણંદમાં છેલ્લા 24 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો સુરતના મહુવામાં બે ઈંચ, ખેડાના નડિયાદમાં બે ઈંચ, ખેડાના વાસોમાં બે ઈંચ નવસારીના જલાલપોસમાં પોણા બે ઈંચ પડ્યો હતો.


ગાંધીનગરના કલોલમાં દોઢ ઈંચ, ખેડાના મહેમદાવાદમાં દોઢ ઈંચ, સુરતના કામરેજમાં દોઢ ઈંચ, આણંદના આંકલાવમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. આ સિવાય અમદાવાદ શહેરમાં તાપીના ડોલવણ, આણંદના તારાપુરમાં એક ઈંચથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.


શુક્રવારે રાતે નવ વાગ્યે અમદાવાદ શહેરમાં પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ હતું. જોત જોતમાં વરસાદ એટલો તેજ થયો કે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારોમાં તો એક કલાકની અંદર સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો એસજી હાઈવે, ઘાટલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો.


ધોધમાર વરસાદ વરસતા અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પણ પોલ ખોલી નાંખી. માત્ર એક કલાકમાં વરસેલા સરેરાશ એક ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. તો બોપલ, ઘુમા, વિવેકાનંદ, બાકરોલ, સનાથલ સહિતના વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પૂરવઠો પણ ખોરવાયો.


વરસાદ શરૂ થતા જ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓને પોતાની પોલ ખુલતી જોવા મળી તો પાલડી સ્થિત કંટ્રોલરૂમમાં મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું. શહેરના સાત અંડરપાસની સ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવ્યુ. હવે જ્યારે વરસાદનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે સમગ્ર શહેરમાં છ હજાર સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે.


આણંદ જિલ્લામાં પણ શુક્રવારે રાત્રે વરસાદ પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે આણંદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આણંદ સહિત વઘાસી, ગામડી, મોગર સહિતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. છુટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


મહેસાણામાં પણ શુક્રવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે  મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


શુક્રવારે વડોદરા શહેર અને અલગ અલગ તાલુકામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વડોદરા શહેરમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. તો ડભોઈ અને પાદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ડભોઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો પાદરામાં પણ વરસાદ વરસ્યો હતો. અચાનકથી આવેલા વરસાદથી ડાંગર, તુવેર અને બાજરીના તૈયાર પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.