અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરી દીધું છે. કોરોનાના કારણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં નહોતી આવી. હવે શિક્ષણ બોર્ડે માર્કશીટ વિતરણની તારીખ જાહેર કરી છે. આ જાહેરાત પ્રમાણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને 22 જૂન ને સોમવારના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. હાલમાં માત્ર ધોરણ-10ની જ માર્કશીટ મળશે. ધોરણ-12ની માર્કશીટના વિતરણ માટે બોર્ડ દ્વારા પછીથી તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઈમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. જેથી એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.


બોર્ડે લીધેલા નિર્ણય પ્રમાણે, કોરોનાના રોગચાળાના કારણે આ વર્ષે વિદ્યાર્થીઓની માર્કશીટ વિતરણની વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બોર્ડ  દરેક ડીઈઓ કચેરીને તાલુકા અનુસાર એક સેટ તૈયાર કરીને મોકલી આપશે અને શાળાએ એ લઈ લેવાની રહેશે. આમ હવે શાળાઓને જિલ્લા કચેરીના બદલે તાલુકા કચેરીમાંથી માર્કશીટ મળી રહેશે. માર્કશીટ લેવા આવતા શાળાના આચાર્યોએ ફરજિયાત માસ્ક પહેરવાનો રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું રહેશેજો કોઇ શિક્ષક કે પ્રિન્સિંપાલ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. 20મી જૂન સુધીમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં માર્કશીટ મોકલી દેવાશે.