Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 170 તાલુકામાં મેઘમહેર,બારડોલી-તિલકવાડામાં વરસાદે બઘડાટી બોલાવી
Gujarat Rain: આજે સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 21 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, સવારે 6.00 થી 10.00 કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Gujarat Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૧ ઇંચ અને પલસાણા તાલુકામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વધુમાં, ગત ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં ૪ ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં ૩-૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૦ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૯૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૧ જિલ્લાના કુલ ૧૭૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારિખ ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૧ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
27 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે. આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.





















