જૂનાગઢઃ બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે બિપરજોય વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વન વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. સાસણની જંગલ સફારી અને ગીરનારની નેચર સફારી 16 જૂનથી બંધ થવાની હતી. વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને લઈ ત્રણ દિવસ અગાઉ બંધ કરવાનો વન વિભાગે નિર્ણય લીધો હતો. સાસણની જંગલ સફારી અને ગિરનારની નેચર સફારી આજે સવારથી જ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. ગીર સાસણ અને ગિરનારની જંગલ સફારીનું આજથી ચાર માસ વેકેશન રહેશે. દર વર્ષે ચોમાસાના ચાર મહિના જંગલ સફારી બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી ફરી બંન્ને સફારી શરૂ કરાય છે.
તે સિવાય જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પણ બંધ રહેશે. વાવાઝોડાના સંકટને લઈને ખીજડીયા પક્ષી અભયારણ્ય બંધ રહેશે.
કચ્છ અને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધ રહેશે
વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાવનગરના પાલિતાણા માર્કેટ યાર્ડ આજથી પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી કપાસ, અનાજ, કઠોળની હરાજી બંધ રહેશે. બાદમાં 19 જૂનથી પાલિતાણા યાર્ડમાં રાબેતા મુજબ શરૂ થશે.
જામનગરમાં તમામ શાળાઓમાં રજા
આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીપરજોય ચક્રવાતના પગલે જામનગરમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. જામનગર શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. 13, 14 અને 15 તારીખ સુધી તમામ શાળાઓ રજા રહેશે. શાળાઓમાં બાળકો માટે રજા છે જ્યારે સ્ટાફે ફરજિયાત શાળાઓમાં હાજર રહેવું પડશે. ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે જામનગર શિક્ષણાધિકારીએ આ નિર્ણય લીધો છે.
મોરબીમાં શાળામાં રજા
બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 13/06/2023 રજા જાહેર કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ કર્મચારીઓએ ફરજ પર હાજર રહેવાનું રહેશે. 14/06/2023 અને તા.15/06/2023 ના રોજ પણ શાળાઓમાં રજા રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સૂચના બહાર પાડવામાં આવી છે. આ પહેલા રાજકોટ જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી, જૂનાગઢ જિલ્લામાં પણ વાવાઝોડાની અસરના પગલે રજા જાહેર કરવામાં આવી છે