ગાંધીનગર:  15મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં યોજાનાર છે.  જેને લઈને આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઅને રાજ્યપાલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી આ ઉજવણીમાં ભાગ લેવા બે દિવસના પ્રવાસે 14 અને 15 ઓગષ્ટના રોજ જુનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તથા ધ્વજ વંદન કરાશે.


15મી ઓગષ્ટે સવારે 9 કલાકે જુનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં 75માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ બાદ રાજ્યના પ્રજાજનોને સંબોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે.


રાજ્ય સરકારની 15મી ઓગસ્ટ મુદ્દે ગાઈડલાઈન, 1000ની મર્યાદામાં લોકો રહી શકશે હાજર


રાજ્યમાં પણ 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં મહત્તમ એક હજારની મર્યાદામાં જ લોકો હાજર રહી શકશે. તો જિલ્લા કક્ષાના સરકારી ધ્વજવંદનના કાર્યક્રમમાં મહત્તમ એક હજાર લોકો હાજર રહી શકશે.



તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં 500 લોકોની તો ગઈકાલે યોજાનારા અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમમાં પણ 500ની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. કોરોનાની સ્થિતિને જોતા ધ્વજવંદન કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


ગુજરાતમાં કોરોનાના 25 નવા કેસ નોંધાયા


ગાંધીનગર:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યમાં હાલ 185 એક્ટિવ કેસ છે અને 7  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 6,18,515 દર્દીઓનું રસીકરણ થયું છે. 



છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા  કોર્પોરેશનમાં 4, અમદાવાદ 3, પોરબંદરમાં 3, સુરત 2, અરવલ્લી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1  કેસ  નોંધાયા છે.  રાજ્યમાંથી વધુ  18 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,903 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.