ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાશે  અને કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'આજે અને આવતીકાલે તો ગરમી અનુભવાશે. 13 એપ્રિલથી ભારે પવન સાથે  કમોસમી વરસાદ વરસશે. 13 એપ્રિલના કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, ભરૂચ અને વલસાડમાં વરસાદ વરસશે.  14 એપ્રિલે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ગીર સોમનાથ અને કચ્છમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. 


15 એપ્રિલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 3 દિવસ વરસાદ પડશે.વરસાદને લઈ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આજે અમદાવાદ અને રાજકોટ સૌથી ગરમ રહ્યા હતા.  આ બંને શહેરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ભુજ,સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં કરા સાથે વરસાદ


વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વરસાદની આગાહી વચ્ચે દાહોદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 13થી 15 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.



દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. લીમડી, મીરાખેડી સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.  


કઇ તારીખે ક્યાં પડશે વરસાદ


હવામાન વિભાગે 13 એપ્રિલે સુરત,નવસારી,વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉપરાંત  સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 13 એપ્રિલે કચ્છમાં પણ  માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


14-15 એપ્રિલે ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 એપ્રિલથી વાતાવરણમાં પલટો આવી શકે છે. 14-15 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં માવઠાની શક્યતા છે., કચ્છમાં પણ 14-15 એપ્રિલે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.


16 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી


16 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  તડકા વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ત્રણ દિવસ માવઠું રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.