અમદાવાદ: આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે. રાજ્યમાં હાલ વહેલી સવારે જોરદાર ઠંડી પડી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે 10.5 ડિગ્રીથી લઈને 19.8 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છના નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંઘાયું હતું.
હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં હજુ પણ ધુમ્મસની સાથે ઠંડીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. ગાઢ ધુમ્મસ વચ્ચે કાતિલ ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે બેઘર લોકો અને રાહદારીઓથી રેન બસેરા હાઉસફુલ થયા છે. ગાઢ ધુમ્મસથી ફ્લાઈટ અને ટ્રેનના શિડ્યુઅલ ખોરવાયા હતા. દિલ્હી જતી 22 ટ્રેન છ કલાક મોડી દોડી રહી છે. તો દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે 12 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.
કમોમસી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થયો છે. રવિવારે રાજ્યના 10 શહેરોમાં 15 ડિગ્રીની નીચું તાપમાન નોંધાયું હતું જેમાં ફરી એકવાર નલિયા સૌથી વધુ ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ડીસામાં 11.4 ડિગ્રી, કેશોદમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી, ભૂજમાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં 13.0 ડિગ્રી, અમરેલીમાં13.7 ડિગ્રી અને અમદાવાદમાં 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ તરફ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ એક ડિગ્રી પર પહોંચ્યો હતો.