Sagar Jain priest controversy: સાગર સમુદાયના જૈનાચાર્ય સાગર ચંદ્રસાગર મહારાજ બે જૈન સાધ્વીઓ સાથે કથિત અશ્લીલ કૃત્યો આચરતા હોવાના આક્ષેપોને પગલે જૈન સમુદાયમાં ભારે વિવાદ અને ખળભળાટ મચી ગયો છે. સુરતમાં પણ ઉપાશ્રય ધરાવતા આ જૈનાચાર્યની કથિત અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર જૈન સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. દુરાચારના આક્ષેપોથી ઘેરાયેલા આ જૈનાચાર્યને પદભ્રષ્ટ કરીને ફરીથી સંસારમાં મોકલી દેવાની માંગણી સાથે જૈન અગ્રણીઓએ હલચલ તેજ કરી છે.

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા કથિત અશ્લીલ વીડિયો કોલના સ્ક્રીનશોટમાં સાગર ચંદ્રસાગર મહારાજ અને બે જૈન સાધ્વીઓની કેટલીક આપત્તિજનક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તેઓ બે સાધ્વીઓ સાથે અશ્લીલ ચેનચાળા કરતા દેખાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, સાગર ચંદ્રસાગર મહારાજે આ વાયરલ તસવીરોને એડિટિંગ કરીને બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદ અને મુંબઈના જૈન અગ્રણીઓએ એક ખાનગી ફોરેન્સિક લેબના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા છે, જેમાં જૈનાચાર્યને ક્લીન ચિટ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જૈન અગ્રણીઓએ શ્રી સંઘની લાચારી બદલ જૈનાચાર્યને સંસારમાં પાછા મોકલવાની અને કોઈપણ જૈન સંઘના મહારાજને તેમના સંઘમાં ઉતારાની મંજૂરી ન આપવાનો અનુરોધ કર્યો છે, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.

આ ભારે વિવાદ બાદ ખુદ જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજે ભાવનગરના પાલીતાણાથી એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે અશ્લીલ ફોટા અંગે વાત કરતા જણાવ્યું કે આ ફોટા એડિટિંગ કરીને વાયરલ કરવામાં આવ્યા છે. સાગર ચંદ્ર સાગર મહારાજે આક્ષેપ કર્યો કે જૈન સમાજના આચાર્યોને બદનામ કરવા માટે આ એક મોટું ષડયંત્ર છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ અશ્લીલ ફોટાને લઈને ફોરેન્સિક રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તેમને ક્લીન ચિટ મળી છે.

આ સાથે તેમણે સમાજમાં ગંદકી ફેલાવવી એ ખૂબ જ ખોટું કામ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આવા પુણ્ય આત્માઓએ આવી કોઈ પણ હરકત ન કરવી જોઈએ. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો હવે આ પ્રકારની કોઈ પણ હરકત કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવામાં આવશે.