અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ તમામ વચ્ચે નાના ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે ગઈકાલે જ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ શિક્ષણમંત્રીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરાઈ છે. ત્યારે જામનગર નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો સાથે આજે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. 


ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ કહ્યું કે, મોટાભાગના પાડોશી રાજ્યોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં કોરોના કેસો આવી રહ્યા છે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંક્ર્ત્મિત થઇ રહ્યા છે. શિક્ષકો અને બાળકોને સંક્ત્મિત થતા અટકાવવાના હેતુથી અમે પણ સરકાર પાસે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત કરી છે.



શિક્ષક મેરામણ કારેથાએ કહ્યું કે, અમારી શાળાના બાળકો સ્લમ વિસ્તારમાંથી આવે છે. તેના ઘરે કે ત્યાં પણ પ્રોટોકોલ ના અમલ નથી થતા. રીસેશ સમયમાં બાળકોને અલગ રાખવા અઘરું છે. શાળાઓ ચાલુ રાખવામાં આવે તો શિક્ષકો અને બાળકો સંક્રમિત થવાના કેસો વધશે તેવું લાગે છે.


શિક્ષિકા પ્રીતીબેન જગડે કહ્યું કે, અમે બાળકોને માસ્ક આપીએ તો પણ બાળકો તે પહેરી નથી શકતા તે હકીકત છે. બાળકો પર સતત નજર રાખવી પડે છે. અત્યારે તો હજુ વાંધો નથી પરંતુ સંક્રમણ વધે તે પૂર્વે કોઈ પગલા લેવાય તે જરૂરી છે. અન્ય એક શિક્ષક એમ.ડી.બલોચ:શિક્ષકે કહ્યું કે, અત્યારે જે રીતે કેસો વધી રહ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પાંખી જોવા મળે છે.


શિક્ષક એ.જે.કાસુન્દ્રાએ કહ્યું કે, નાના બાળકોને આપણે વેક્સીન આપી શકતા નથી. બાળકો ઘરે રહે તે જરૂરી છે. બાળકો માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું જોઈએ અને ઓફલાઈન શિક્ષણ બંધ કરવું જોઈએ.


ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજ્યની અનેક શાળામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્કૂલો બંધ કરવા અંગે સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે પણ ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે.


રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ અપાય છે ત્યાં કોરોનાના નિયમોનું પાલન નથી થતું. શાળાઓમા કોરોના નિયમોનું પાલન ન થવા મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, જ્યાં જ્યાં નિયમો નું પાલન ન થઈ રહ્યું હોય ત્યાં પાલન કરવા કડક સૂચનાઓ છે અને કોઈ નિયમો ન પાળે તે નહિ ચલાવી લેવાય. અલબત્ત અત્યાર સુધી કેટલી સ્કૂલો સામે પગલાં ભરાયાં તેન વિગતો તેણે નહોતી આપી.


રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે,  ભારતની બાળકો માટેની વેકસીન ખૂબ જ સેફ છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે બાળકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપણે નિયત સમયે પૂર્ણ કરીશું. તેમણે કહ્યું કે, કોઈ પણ બાળક રસી લીધા વિના ન રહી જાય તેની ચિંતા રાજ્ય સરકારે કરવાની છે પણ વાલીઓને સલાહ છે કે ડરવાની જરૂર નથી પણ લડવાની જરૂરિયાત છે. ગયા વખતનો સમય અને આ વખતનો સમય અલગ છે તેથી પેનિક ઉભું ન કરીએ એ જરૂરી છે.


તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં માત્ર 25 લાખ લોકો જ પ્રથમ ડોઝ લીધા વિનાના બાકી છે અને 26 લાખ લોકો જ રાજ્યમાં બીજા ડોઝમાં બાકી છે ત્યારે બહુ જલદી સો ટકા રસીકરણ થઈ જશે. કોરોના સામે ની લડાઈ માટે વેકસીન મહત્વની સાબિત થઈ છે તેથી સરકાર સો ટકા રસીકરણ કરાવવા માંગે છે.