જૂનાગઢઃ નવરાત્રિના નવરાત્રિના પ્રથમ દિવસે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓને પિન્ક કાર્ડની અનોખી ભેટ આપવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એકશન પ્લાન ગુડ ગવર્નન્સ અંતર્ગત જૂનાગઢ પ્રાંતમાં જિલ્લા કલેકટર રચિત રાજ અને એસડીએમ અંકિત પન્નુએ પિન્ક કાર્ડ યોજનાનું ઉદઘાટન કરી લાભાર્થીઓને પિન્ક કાર્ડનું વિતરણ કર્યું હતું.
જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇનોવેટિવનેસ પિન્ક કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. મારી દીકરી મારૂ અભિમાન અને મારૂં સ્વાભિમાન એ અંતર્ગત આ યોજના લાગુ કરી પિન્ક કાર્ડ ઇશ્યુ કરાયા છે. બેટી બચાવો, બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા આ કાર્ડ ઇશ્યુ કરાયા છે. આ યોજના અંતર્ગત જે દંપત્તિ 1 અથવા 2 દીકરી ધરાવે છે તેને આ કાર્ડનો ફાયદો મળશે. પિન્ક કાર્ડ ધરાવનારને સરકારી કચેરીઓમાં કોઇપણ જાતની કામગીરી માટે લાઇનમાં ઉભા રહેવું નહી પડે.
આવા કાર્ડ ધારકને સરકારી કામગીરીમાં પ્રાયોરિટી અપાશે. ગમે તેટલી લાંબી લાઇન હોય પિન્ક કાર્ડ ધારકોને સરકારી યોજનાના લાભ મેળવવા માટે લાઇનમાં ઉભવાથી મુક્તિ મળશે. દરમિયાન હાલ જૂનાગઢ તાલુકામાં પિન્ક કાર્ડ લોન્ચ કરાયા છે જેમાં જૂનાગઢ ગ્રામ્યમાં 1,618 અને શહેરમાં 1,000 લાભાર્થીઓ માટે કાર્ડ ઇશ્યુ કરાશે. અમે ઇચ્છીએ છીએ કે દરેક મા બાપ કે જે માત્ર દીકરી ધરાવે છે તે પોતાની દીકરી પ્રત્યે સ્વાભિમાન ધરાવે.
પિન્ક કાર્ડની કામગીરી હાલ માત્ર જૂનાગઢ સિટી અને ગ્રામ્ય માટે જ કરાશે. આ એક પ્રયોગ છે. આ પ્રાયોગિક કામગીરીની સમિક્ષા કરાશે બાદમાં આ કામગીરી સમગ્ર જિલ્લામાં લાગુ કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ બનાવાયું છે. આ કાર્ડમાં પરિવારનાં સભ્યોનું નામ હશે. તેમજ કુટુંબનાં વડા, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે. તેમજ કાર્ડમાં મામલતદારની સહી પણ રહેશે.