Junagadh: આજે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ જુનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા, અહીં તેમને વિવિધ કાર્યક્રમો, શિબર અને સભામાં હજારી આપી હતી. આજે જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સોરઠ દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા અને કુષિ શિબિર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ દરમિયાન સીઆર પાટિલે જણાવ્યુ કે, અનેક રાજયોમાં સહકારી બેંકો ચાલે છે પરંતુ તેમનુ ભાવી ડામાડોળ છે. ખાતરના ભાવ વધે નહી તેના માટે સબસીડી વધારી સાથે દેશના ખેડૂતોને તકલીફ ના પડે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. 


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સોરઠ દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા અને કૃષિ શિબિર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની વિષેશ ઉપસ્થિતિમાં યોજાઇ. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના સહકારી  બેંકના ચેરમેન કિરિટભાઇએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.


આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે સંબોધન કરતા જણાવ્યું કે, સહકારી ક્ષેત્રને આપ સૌના સાથ અને સહકારના કારણે વધુ મજબૂત કર્યુ છે. સહકારી બેંકને 43 કરોડનો નફો થયો છે અને 10 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી તેના કારણે સભા સદોને  10 ટકા જેટલુ વળતર મળશે. ડેરીમાં પણ 3.71 કરોડનો નફો થયો છે. એક બેંક અને ડેરી જે વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી ના હોય તેમ છતા નફો કરે તેનુ કારણ સહકારી બેંકોને સાથ મળે છે,અને તેના કારણે જિલ્લામાં સમૃદ્ધી વધે છે. અનેક રાજયોમાં સહકારી બેંકો ચાલે છે પરંતુ તેમનુ ભાવી ડામાડોળ છે. ગુજરાતમાં અંદાજે 317 જેટલી મોટી સહકારી સંસ્થાઓ છે તેમા મોટા ભાગની સંસ્થાઓમાં ભાજપના કાર્યકરો જવાબદારી સંભાળી રહ્યા છે.




સીઆર પાટિલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશના ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂતોને ટેકનોલોજી સાથે ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ખેડૂતોને વ્યાજબી ભાવે સમયસર ખાતર મળે તે માટે સરકાર કટીબદ્ધ છે. ખેડૂતોના ખાતામાં આજે સીધા રૂપિયા જમા થાય છે તે એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં થયુ છે. ખાતરના ભાવ વધે નહી તેના માટે સબસીડી પણ વધારી તેમજ દેશના ખેડૂતોને તકલીફ ન પડે તેની ચિંતા  કેન્દ્ર સરકારે કરી છે. 15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વકર્મા માટે કરોડો રૂપિયાની યોજના જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે આ સરકાર તમારી સાથે છે.




આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ, ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠીયા,પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા, સંગઠન પ્રભારી દિલીપ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રી જશા બારડ, સાવજ ડેરીના ચેરમેન દીનેશ ખટારીયા, વાઈઝ ચેરમેન મનુ ખોટી, ડૉ ડી.પી.ચકલીયા, જેઠા પાનેરા, બેંક અને ડેરીના સદસ્યો, ડીરેક્ટરો, ખેડૂતો સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.