જૂનાગઢઃ જૂનાગઢના કાશ્મીરી બાપુનું ગઈકાલે નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગે પ્રયાગરાજથી વાઘંબરી ગાદીનાં શ્રીમહંત બલવીરપુરી, બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી, મુંબઇના કેશવપુરીજી સહિતના સંતોની ઉપસ્થિતીમાં તેમને સમાધિ આપવામાં આવશે. 15 દિવસ પહેલાં તેમણે તેના સેવકને કહ્યું હતું કે, કફ ગળામાં અટકે ત્યારે શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે. આના કારણે તેઓ બહુ બોલી પણ શકતા નહોતા.


કેટલી ઉંમર હતી


કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી. છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5 થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી. કાશ્મીરીબાપુ નિરંજની અખાડાનાં આગેવાન સંત હતા. તેમની ઉંમર 97 થી 100 વર્ષ આસપાસ હતી.


બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો


બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી કાચની પેટીમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.






પટેલબાપુ સાથે આત્મિયતા


વર્ષો સુધી જંગલમાં આવેલ આશ્રમમાં ધૂણી ધખાવી ભજન સાથે ભોજન કરાવી સતત અન્નક્ષેત્ર ધમધમતું રાખનાર નિરંજન અખાડાના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતાં તેમના શિષ્યો અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કાશ્મીરીબાપુને ઉપલાદાતારનાં પટેલબાપુ સાથે ખુબજ આત્મિયતા હતી. વર્ષો પહેલાં તેઓ ત્યાં એક-એક મહિનો રોકાતા. અવારનવાર તેમને મળવા જતા અને તેમની સાથે ગોષ્ઠિ કરતા.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું, સદૈવ પોતાની ફકીરીમાં રહી ભજન અને ભોજનની ગરવા ગિરનારની ગોદમાં ધૂણી ધખાવી,ગિરનારની તપોભૂમિના સંત,ભવનાથના નિરંજન અખાડાના મોભી પ.પૂ.કાશ્મીરી બાપુ આજે બ્રહ્મલીન થયા છે.ઈશ્વર પૂજ્ય બાપુના આત્માને શાંતિ અર્પે તેમજ સૌ અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.  ૐ શાંતિ.