Kabrau Mogal Dham Manidhar Bapu, Bhuj: સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામિઓના વારંવારના ખોટા અને વિવાદિત નિવેદનો પર હવે એક પછી એક સનાતની સંતો વિરોધ પ્રગટ કરી રહ્યાં છે. હાલમાં જ દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ વિશે કરવામાં આવેલા બફાટ પર હવે કબરાઉધામના ચારણ ઋષિ બાપુએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. કબરાઉધામ બાપુએ સ્વામિનારાયણ સંતો મુદ્દે વિરોધ સાથે ઉપવાસ પર ઉતર્યા છે. તેમની માંગ છે કે, આવા બફાટ કરનારા સંતોને જેલ ભેગા કરો અને સનાતન વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરો. છેલ્લા બે દિવસથી ચારણ બાપુ ઉપવાસ પર બેઠા છે. 

Continues below advertisement

છેલ્લા કેટલાક દિવસોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોના નિવેદનોનો લઇને લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણના સાધુઓના બફાટને લઈને સનાતનીઓમાં જોરદાર આક્રોશ ફેલાયો છે, ત્યારે હવે આ મુદ્દે કબરાઉધામના ચારણ ઋષિ બાપુ પણ વિરોધ વ્યક્ત કરતાં અનશન પર ઉતર્યા છે. હાલમાં બે દિવસથી ચારણ ઋષિ બાપુ અનશન પર છે. તેમને આહવાન કર્યુ છે કે, આ મુદ્દે દેશભરના સાધુ-સંતોએ ભેગા થવું જોઇએ, અને સનાતન ધર્મ વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે, એટલું જ નહીં આવો બફાટ કરનારા સાધુઓને જેલ ભેગા કરવામાં આવે. કબરાઉ ધામ બાપુએ બે દિવસ બાદ ભુજ સ્વામિનારાયણના ગુરુકુળમાં હલ્લાબોલની ચિમકી પણ ઉચ્ચારી છે. અનશનમાં સાધુ-સંતો સાથે અનેક લોકો જોડાઇ રહ્યા છે. મણીધરબાપુએ લેખિત માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડાઓ આ બંધ કરાવે અને લેખિતમાં માફી માંગે બાકી ઉપવાસ યથાવત રહેશે.

વિવાદ, પુસ્તકમાં શું લખ્યું છે ?હકીકતમાં શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પુસ્તકમાં લખ્યું છે કે, ત્યાં (દ્વારકામાં) ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોઈ તો વડતાલ જાઓ. ત્યાં સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.' આ પ્રકારનો ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સનાતનધર્મીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

Continues below advertisement