Kejriwal on Gopal Italia: ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિસાવદરના કાલસારી ખાતે પક્ષના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. સભાની શરૂઆતમાં કેજરીવાલે તાજેતરની અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન રખાવ્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપ પર ધારાસભ્યોની ખરીદી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને ગોપાલ ઇટાલિયાને 'ટાઈગર' ગણાવીને તે ક્યારેય પક્ષ નહીં છોડે તેવી ગેરંટી આપી હતી.
ભાજપ પર ધારાસભ્યો ચોરવાનો આરોપ
કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "હું દિલ્હીથી વિસાવદરના લોકોની મદદ કરવા આવ્યો છું. ગત વખતે વિસાવદરની જનતાએ જેમને મત આપીને જીતાડ્યા હતા, એ ધારાસભ્યને ભાજપે ચોરી લીધા. ભાજપ ખુલ્લેઆમ કહે છે કે તમે ગમે તેને વોટ આપો, સરકાર તો અમે જ બનાવીશું કારણ કે અમે ધારાસભ્યોને ખરીદી લઈશું."
તેમણે ઉમેર્યું, "આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના સૌથી કટ્ટર, ઇમાનદાર અને ટાઈગર જેવા નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. હું તમને વચન આપું છું, ભલે સુરજ બીજી દિશામાંથી ઉગી જાય, પણ ગોપાલ ઇટાલિયા ક્યારેય ભાજપમાં નહીં જાય. પોલીસની સારી એવી કમાણીવાળી નોકરી છોડીને સમાજ સેવા અને ખેડૂતોના હિત માટે કામ કરવા નીકળેલા આવા નીડર અને દેશભક્ત માણસ પર ભરોસો રાખજો."
કોંગ્રેસ મત બગાડવા બરાબર
કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, "આજે કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં જ નથી. તેથી કોંગ્રેસને મત આપવો એ તમારો મત ખરાબ કરવા બરાબર છે. અમે તમારા મતનું મૂલ્ય સમજીએ છીએ, એટલે જ મત માંગવા આવ્યા છીએ. જેમ લગ્નમાં આમંત્રણ વગર નથી જતા, તેમ જે પક્ષ મત માંગવા ન આવે તેને મત ન આપતા." તેમણે લોકોને સવારમાં વહેલા ઉઠીને મતદાન કરવા અપીલ કરી જેથી ફરજી મતદાન રોકી શકાય.
ગોપાલ ઇટાલિયાનો 'એફિડેવિટ સંકલ્પ'
આ જનસભામાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક અનોખો સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, "ભાજપના નેતાઓ લોકોને ખરીદવા નીકળ્યા છે, પણ હું આજે મારો સંકલ્પ જાહેર કરવા આવ્યો છું. જો હું ધારાસભ્ય બનીશ તો કયા કામો કરીશ, તે તમામ બાબતોનું એફિડેવિટ કરીને લાવ્યો છું, જે હું તમને બધાને મોકલી આપીશ."
ઇટાલિયા દ્વારા જાહેર કરાયેલા મુખ્ય સંકલ્પો:
- ખેડૂત અને જમીન: ઇકો ઝોન આ વિસ્તારમાં લાગુ નહીં થવા દઉં, ભલે જીવ આપવો પડે. ખેડૂતોની જમીન માપણીના અન્યાય સામે વિધાનસભા સુધી લડીશ અને સૌની યોજનાનું પાણી દરેક ખેતરે પહોંચાડીશ.
- ભ્રષ્ટાચાર મુક્તિ: ટેકાના ભાવે ખરીદી અને સહકારી મંડળીઓમાં થતો ભ્રષ્ટાચાર માથે ઉભા રહીને અટકાવીશ. રોડ, રસ્તા, નાળાના કામોમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરાવીશ અને મારી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 10 ટકા તો શું, એક રૂપિયો પણ કમિશન નહીં લઉં.
- જનસુવિધા: ધારાસભ્ય તરીકે 3 કાર્યાલય ખોલીશ, જ્યાં નિષ્ણાંત વકીલ બેસાડીશ અને લોકોના નાનામાં નાના સરકારી કામ મફતમાં કરાવી આપીશ. ગરીબોને 100 વારના પ્લોટ અને જરૂરિયાતમંદોને BPL કાર્ડ અપાવીશ.
- ન્યાય અને રોજગાર: વન વિભાગ અને PGVCL દ્વારા નિર્દોષ ખેડૂતો પર થયેલા ખોટા કેસમાં વકીલ તરીકે મફત મદદ કરીશ. યુવાનોને સરકારી ભરતી માટે માર્ગદર્શન મળી રહે તે માટે લાઈબ્રેરી ખોલીશ અને મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળે તે માટે ટ્રસ્ટોના સહયોગથી કૌશલ્ય વિકાસના વર્ગો શરૂ કરાવીશ.
પોતાના સંબોધનના અંતે ગોપાલ ઇટાલિયાએ ભાવુક થઈને કહ્યું, "મારો વિજય થાય કે પરાજય, હું વિસાવદર છોડીને ક્યાંય જવાનો નથી. હું અહીં જ રહીશ અને મારા છોકરાઓ પણ તમારી વચ્ચે રહીને સાવજ જેવા થશે, એ મારો સંકલ્પ છે."