કેવડિયા:  નર્મદા સ્થિત કેવડિયા જંગલ સફારી પાર્કમાં પોલીસકર્મીઓની દાદાગીરી સામે આવી હકી. અહીં સફારી પાર્કના સિક્યોરીટીને પાંચ પોલીસ કર્મચારીએ માર માર્યો હતો. સિક્યોરીટીને માર મારાનારા પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્ક ખાતે પાંચ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ગયા હતાં.  જ્યાં ફરજ પરના સિક્યોરીટી ગાર્ડે પોતાની ફરજ મુજબ એન્ટ્રી ગેટ પર પાંચ પોલીસ કર્મચારી સામે એન્ટ્રી પાસની માંગ કરી હતી.  સિક્યોરિટી ગાર્ડે એન્ટ્રી પાસ માંગતા પોલીસ કર્મચારીઓ ઉશ્કેરાયા અને બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. 


આ દરમિયાન ઉશ્કેરાયેલા ખાખી ધારીઓ કાયદાની મર્યાદા જ ભૂલી ગયા અને ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડને બેફામ માર માર્યો હતો.  સિક્યોરિટી ગાર્ડને માર મારી દંબગાઈ કરનારા ખાખીધારીઓનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે નર્મદા જિલ્લા પોલીસવડાએ ટ્રાફિક હેડ કોંસ્ટેબલ શૈલેષ મનસુખ, કૉંસ્ટેબલ રાજેંદ્ર ખાનસિંગ, મનોજ ધનજીભાઈ, કૃષ્ણલાલ મહેશભાઈ અને અનિલ મહેશભાઈને ફરજ મોકૂફ કર્યા છે.




પોલીસ કર્મચારીઓની દાદાગીરી સામે સિક્યોરીટી કંપનીના કર્મચારીઓ પણ જવાબદારો સામે આકરી કાર્યવાહીની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. સિક્યોરિટી ગાર્ડે દાવો કર્યો કે પોલીસ કર્મચારીઓને સૂચના આપી હતી કે સ્ટાફ માટે બીજો દરવાજો છે ત્યાંથી જઈ શકાશે, પરંતું પોલીસ કર્મચારીઓએ ખાખીનો રૌફ જમાવી એ જ ગેટ પરથી એંટ્રી મેળવવાની જીદ પકડી અને મારામારી કરી હતી.