ગુજરાતમાં ચોમાસા પહેલા ખરીફ વાવેતરનો પ્રારંભ થયો છે. જોકે ગત વર્ષની તુલનાએ વાવેતર ખૂબ જ ઓછું થયું છે. ગત વર્ષે આ સમય ગાળા દરમિયાન 42 હજાર 355 હેકટરમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે માત્ર 2678 હેકટરમાં જ વાવણી થઈ છે. એટલે કે ખેડૂતો હજુ વરસાદ સહિતના પરિબળોને જોઈને મગફળી, કપાસ, શાકભાજી સહિતના પાકોના બીજ રોપવાનું શરૂ કર્યુ છે. મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વાવણી શરૂ થઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો હજુ તૈયારીમાં છે. મુખ્ય ત્રણ ઋતુની જેમ રાજ્યમાં વાવણીની પણ ઋતુઓ હોય છે. પરંતુ તેમાં સૌથી વધુ 86 લાખ હેકટરમાં વાવેતર ચોમાસાની ઋતુમાં થાય છે.  આ સીઝન ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલતી હોય છે અને તેમાં મુખ્યત્વે ડાંગર, તુવેર, મગ, મગફળી, કપાસ, દિવેલા અને સોયાબીન મુખ્ય પાક છે. જ્યારે બાજરી તો દરેક ઋતુમાં વવાય છે. 12 માસમાં સૌથી મોટી કૃષિની સીઝન હવે શરૂ થઈ રહી છે.

ગુજરાતમાં 14 કે 15 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસશે             

ગુજરાતમાં 14 કે 15 જૂન આસપાસ જ નૈઋત્યનું ચોમાસું બેસશે. હવામાન વિભાગના મતે કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટકી જતા ગુજરાતમાં નિર્ધારિત સમયે જ આગમન થશે. હાલમાં રત્નાગિરી, મહાબળેશ્વર પર બનેલી એક સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતા ચોમાસુ મુંબઈથી હજુ આગળ વધી શક્યું નથી. છેલ્લા ઘણાં દિવસોથી વાદળો બંધાય છે અને કેટલાક વિસ્તારમાં રાત્રીના કે દિવસના પૂરઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદના જોરદાર વરસાદી ઝાપટા વરસે છે. પરંતુ રેગ્યુલર વરસાદ વરસતો નથી.  હવે આગામી દિવસોમાં અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ વરસશે.  આમ દર વર્ષે મેના એન્ડમાં કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદ તો 14 કે જૂન પછી જ પધરામણી થતી હોવાથી ચાલુ વર્ષે પણ આ પરંપરા યથાવત રહેશે.

છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે 9 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ નવ જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના 28 જિલ્લામાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.