Kheda : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ખાડાઓને લઈને યાત્રાળુઓ સહિત સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ડાકોર એ ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ છે. વિવિધ સ્થળોએથી ભક્તો ભગવાન શ્રીરણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાળુ સહિત ડાકોરના નાગરિકો પણ રોડ અને રસ્તાનો ઉપયોગ કરે છે. 


યાત્રાધામ ડાકોરમાં બનાવવામાં આવેલ રોડ અને રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.વરસાદમાં રોડના ખાડાઓએ પોતાના મોઢા ખોલી દીધા છે જેને લઈને મોટા મોટા ખાડાઓમાં વાહન લઈને પસાર થતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. 


ખાડાઓને પગલે આવનાર યાત્રાળુ વૃદ્ધોના પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત પાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નગરપાલિકાને કઈ ફરક જ ના પડતો હોય તેવી રીતનું વર્તન અરજદારો પાસે કરવામાં આવી રહ્યું છે. ડાકોરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ આવતી હોય છે પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ ડાકોરના વિકાસ માટે કરવામાં આવે છે કે કેમ તેવા પ્રશ્નો આ ખાડાઓને જોઈને સ્થાનિકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.


સ્થાનિકો દ્વારા આપવામાં આવેલ મત પોતાના પ્રતિનિધિને ચુંટી લાવતા હોય છે. પ્રતિનિધિ તથા ડાકોર પાલિકા પ્રમુખ ડાકોર ચીફ ઓફિસર ખુદ આ રસ્તે થી પસાર થતા હોય છે તો તેઓને પણ જાણે પોતાની જવાબદારીનું ભાન ન થતું હોય તેમ રોડના ખાડાઓની સામે આંખ આડા કાન કરતાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.


આ ખાડાઓના પગલે ડાકોરમાં આવનાર યાત્રાળુઓ ડાકોર પ્રશાસનની એક ખરાબ છાપ લઈને જતા હોય છે જેના જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી છે.


માતાએ 3 વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું 
મહિસાગર જિલ્લાના  સંતરામપુર તાલુકામાં કુવામાંથી માતા અને નાના પુત્રનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી ગઈ છે. માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે કૂવામાં જંપલાવી જીવન ટૂંકાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંતરામપુરના નાના અંબેલા ગામે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે મૃતક યુવતીના પતિ, સસરા, સાસુ અને નણંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જો કે આ મહિલાએ ક્યા કારણે આ પગલું ભર્યું તેની માહિતી હજી સામે આવી નથી.


માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી
જૂનાગઢના  ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માથાકૂટ બાદ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. કાળુભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પુત્ર ઇમરાને ફરીયાદ નોંધાવી છે.  જેમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાઇ છે. આલમ બેનનું 24 જુલાઈના રોજ અવસાન થયું હતું. જે બાદ તેમા સંતાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થતા ચકચાર મચી ગઈ છે.