અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત પાંચમાં દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૦૮૪ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૨૧ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬,૮૧,૦૧૨ છે જ્યારે કુલ મરણાંક ૮,૩૯૪ છે. રાજ્યમાં હાલ ૧,૩૯,૬૧૪ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૭૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૫.૩૩ લાખ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૭૮.૨૭% છે.


ગુજરાતને કેટલા મળ્યા છે રસીના ડોઝ


કોરોના સામે લડવા રસીકરણ (Vaccination) પર ભાર મુકવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં અનેક લોકો વેક્સિનેશન સેન્ટરમાં જાય છે ત્યારે તેમને ત્યાંથી 'અત્યારે વેક્સિનનો સ્ટોક નથી' તેવો જવાબ મળતા નિરાશ થઇને પરત ફરવું પડી રહ્યું છે. આ માટેનું કારણ એ છે કે ગુજરાત પાસે હવે વેક્સિનના ૫,૦૧,૩૯૬ ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યાર સુધી વેક્સિનના ૧.૪૨ કરોડ ડોઝ મળી ચૂક્યા છે અને જેમાંથી તેણે ૧.૩૭ કરોડનો ઉપયોગ કરેલો છે.


હર્ડ ઈમ્યુનિટીમાં કેટલો સમય લાગશે


ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૧૪,૦૭૯ વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધેલી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે. આમ, ગુજરાતની કુલ વસતીના ૨૧% દ્વારા જ વેક્સિનના ડોઝ લેવામાં આવ્યા છે. આમ આશરે ચાર મહિનામાં માત્ર 21 ટકા જ લોકોએ રસીનો ડોઝ લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦%થી વધુ લોકો વેક્સિન લઇ ચૂક્યા હોય તે જરૃરી છે. 60 ટકાથી વધુ લોકોનું રસીકરણ થતાં હજુ સાતથી આઠ મહિના જેટલો સમય લાગે તેમ છે. જો રસીકરણ વેગીલું બનાવવામાં આવે તો આ સમયગાળામાં થોડો ઘટાડો પણ થઈ શકે છે.


વેક્સિનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૮.૭૮ લાખ સાથે મોખરે, તામિલનાડુ ૬.૭૧ લાખ સાથે બીજા જ્યારે ગુજરાત ૫.૦૧ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે. અત્યારસુધી દેશના જે રાજ્યમાં વેક્સિનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતને અત્યારસુધી ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળેલા છે અને તેમાંથી ૧.૪૯% વેક્સિન વેડફાયેલી છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૨ લાખ લોકો એવા છે જેમણે વેક્સિનનો ઓછામાં ઓછો ૧ ડોઝ લીધો છે.


રાજ્યમાં કયું શહેર વેક્સિનેશમાં અગ્રેસર


દેશના જે રાજ્યોમાં સૌથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી હોય  તેમાં મહારાષ્ટ્ર ટોચનો, રાજસ્થાન બીજો, ગુજરાત ત્રીજો, ઉત્તર પ્રદેશ ચોથો અને પશ્ચિમ બંગાળ પાંચમો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં મે મહિનામાં વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે અને છેલ્લા ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેક્સિન આપવામાં આવેલી છે. ગુજરાતના જે જિલ્લામાં સૌથી વધુ વેક્સિનેશન થયું છે તેમાં ૧૮.૦૩ લાખ સાથે અમદાવાદ મોખરે છે. સુરત ૧૩.૦૫ લાખ સાથે બીજા અને વડોદરા ૯.૬૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછા ૪૩,૩૮૨ વ્યક્તિનું રસીકરણ થયેલું છે. સરેરાશ ૧૦ લાખની વસતીએ જોવામાં આવે તો પોરબંદરમાં સૌથી વધુ ૩.૬૦ લાખ, મહીસાગરમાં ૩.૨૦ લાખ, અરવલ્લીમાં ૩ લાખ લોકો કોરોના વેક્સિન લઇ ચૂક્યા છે. આ પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદમાં ૧૦ લાખની વસતીએ વેક્સિન લેનારી વ્યક્તિની સંખ્યા ૨.૫૦ લાખ છે.