બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18 લોકોના મોત થયા છે. ભીષણ આગમાં 18 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. ડીસા દુર્ઘટનાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ સમગ્ર દુર્ઘટના અંગે વિગતવાર વાતચીત કરી હતી.
ફટાકડાના સ્ટોરેજનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મંજૂરી વગર ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. 31મી ડિસેમ્બર 2024 રોજ ફટાકડાના સ્ટોરેજનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું. 15મી માર્ચે પોલીસે આ સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસની મુલાકાત દરમિયાન ગોડાઉન ખાલી હતું. પોલીસે નેગેટિવ અભિપ્રાય આપતા લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું નહોતું.
18 શ્રમિકોના મોત થયા છે
ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની આ ઘટનામાં 18 શ્રમિકોના મોત થયા છે. હૃદયદ્રાવક આ ઘટનામાં ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 18 બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે.જેને સિવિલમાં પીએમ માટે લઇ જવાયા છે.
આ દુર્ઘટનામાં 6થી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે 40 ટકા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવાયા છે. ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ સિવિલમાં મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલું છે.
પ્રચંડ વિસ્ફોટ થતા જ સ્લેબ ધરાશાયી
આ ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહી રહ્યાં છે. આ ગોડાઉન હોવાથી માત્ર ફટકડા સ્ટોર કરવાની મંજૂરી હતી જ્યારે અહીં ફટાકડાનું પ્રોડક્શન પણ ચાલતું હતું. પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.જેના કારણે કાટમાળ વચ્ચે અને ભીષણ આગમાં મૃતદેહને શોધવાનું કામ અઘરું બન્યું હતું. ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.