અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) સતત પાંચમાં દિવસે ઘટાડો થયો છે. કોરોના તમામ ડોકટર માટે એક પડકાર થઈને સામે આવી રહ્યો છે, બદલાતા લક્ષણોના કારણે દવાઓના ડોઝ બદલાઈ રહ્યા છે અને સ્ટીરોઈડ પણ આપવામાં આવી રહ્યા છે. જોકે આ સ્ટીરોઈડની સારી અસર સામે એટલી જ આડ અસર પણ સામે આવે છે. જેના કારણે ઘણી વખત કોરોનાની સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે.


ડાયાબિટોલોજિસ્ટ ડો. વિવેક પટેલના કહેવા પ્રમાણે, સ્ટીરોઈડ કોરોનામાં ઘણા સારા પરિણામ આપે છે પણ સાથે જ તેની આડઅસર પણ એટલીજ છે. મુખ્ય વાત છે કે જે લોકોને ડાયાબિટીસ નથી હોતા તેવા લોકોને કોરોના પોઝિટીવ થયા બાદ સ્ટીરોઈડ આપવાના કારણે ડાયાબિટીસ આવવા લાગે છે. ડાયાબિટીસ વધવાના કારણે કોમ્પલિકેશન વધી જાય છે છે અને દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડે તેવી પરિસ્થિતિ સામે આવે છે. મુખ્યત્વે કોરોના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને સ્ટીરોઈડના કારણે પણ રોગપ્રતિકારક શક્તિમાં વધુ ઘટાડો થાય છે, સ્ટીરોઈડ આપવાથી સુગર લેવલ અપ આવે છે અને તે બીજા રોગને શરીરમાં નોતરે છે. જેમા હાલ મ્યુકર વધારે વકરી રહ્યો છે ત્યારે સ્ટીરોઈડનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે તે પ્રમાણે જ તેનો વપરાશ કરવો જોઈએ.  જ્યારે દર્દી કોરોનાની સારવાર માટે દાખલ થાય ત્યારે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવીને જ પછી સ્ટીરોઈડ આપવુ જોઈએ.


ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases)  સતત પાંચમાં દિવસે ઘટાડો થયો છે. ગઈકાલે  કોરોનાના ૧૧,૦૮૪ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૨૧ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬,૮૧,૦૧૨ છે જ્યારે કુલ મરણાંક ૮,૩૯૪ છે. રાજ્યમાં હાલ ૧,૩૯,૬૧૪ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૭૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૫.૩૩ લાખ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૭૮.૨૭% છે.