Gujarat Assembly Election 2022: ભાજપે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સાધુ-સંતોને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભરૂચની જંબુસર બેઠક પરથી પાર્ટીએ દેવકિશોરદાસજી સ્વામીને ટિકિટ આપી છે. તેઓ ડી. કે. સ્વામી તરીકે જાણીતા છે. તેમનું નામ જાહેર થતા જ સમર્થકોમાં આનંદ છવાયો છે. તો, ગઢડા બેઠક પરથી ભાજપે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારનું પત્તુ કપાયું છે. શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકા સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ છે.


આ બેઠક પર ઉકળતો ચરુ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ બીજેપીએ તેમના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાં જ કેટલીક સીટો પર નારાજગી પણ સામે આવવા લાગી છે. તમને જણાવી દઈએ કે, નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. જેવું તેમનું નામ સામે આવ્યું કે, નાંદોદ તાલુકાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.


નાંદોદ ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ આ ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને હર્ષદ વસાવાને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કરવાની વાત કરી હતી. આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે. આવતીકાલે હર્ષદ વસાવા અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સાંભવના છે. હર્ષદ વસાવા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી શકયતા છે. હર્ષદ વસાવાના સમર્થનમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ આવતીકાલે રાજીનામાં આપશે.


બીજેપીએ ટિકિટ કાપતા જ નવાજૂની કરવાના મૂંડમાં મધુ શ્રીવાસ્તવ


આજે બીજેપીએ તેમની પહેલી યાદી જાહેર કરતા જ કેટલાક ઉમેદવારના પત્તા કપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે જે ઉમેદવારોના પત્તા કપાયા છે તેમાં સૌથી ચર્ચિત ચહેરો મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. મળતી માહિતી પ્રમાણે દબંગ ધારાસભ્યને દબંગાઈ ભારે પડી છે. તમને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મથી વાઘોડિયા વિઘાનસભામા ચુંટાતા હતા. છેલ્લા પાંચ વર્ષમા ભ્રષ્ટાચાર, દબંગાઈ, વિવાદિત ટીપ્પણી, રોડ રસ્તા, ગટર, સિંચાઈ સમસ્યા,પિવાના પાણીની સમસ્યાથી પ્રજા જજુમી રહી હતી. કોરોનાકાળ અને પુરની પરિસ્થિતીમાં એકપણ દિવસ પ્રજાની ખબર નહિ લેતા ભારોભાર નારાજગી જોવા મળી હતી.


ઈમાનદાર TDO કાજલ આંબલીયાની બદલી કરાવતા સરપંચો પણ મધુ શ્રીવાસ્તવ વિરુધ્ધ ઊભા થયા હતા. સંગઠને આ વખતે ઊમેદવાર બદલવાની સતત માંગ કરી હતી. જીતવાનો છુ, લડવાનો છુ, ટિકીટ મારી જ પાક્કી છે તેવા નિવેદનો ભારે પડ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકીટ આપવામાં આવી છે. જેને લઈને ભાજપના કાર્યકરો અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ ખીજાયા છે. ભાજપ સામે મોરચો માંડવા માટે સમર્થકોનો સહારો લઈ શકે છે. બે દિવસમા મધુ શ્રીવાસ્તવ નવાજુની કરે તેવા એંઘાણ છે. પક્ષમા છું, પક્ષમાં રહેવાનો છુ તેવુ રટણ રટનાર હવે પાર્ટી સામે થાય તો નવાઈ નહીં. તો બીજી તરફ મઘુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ઊમેદવારી નોંઘાવે તેવા એંઘાણ છે.