વલસાડઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે એક દાખલો બેસાડીને વધારે પ્રમાણમાં લોકો એકઠા થઈ જતાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી મંચ પર જવાના બદલે કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી. પાટિલે આયોજકોને આ મુદ્દે ખખડાવીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા કહ્યું હતું. સભાની મંજૂરી નહીં લીધી હોવાથી પોતે સભાને ના સંબોધી હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.

પાટિલ શનિવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ની મુલાકાતે ગયા હતા. સોલસુંબા ગ્રામ પંચાયતના નવા ભવનનું સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જો કે  જાહેર સમારંભમાં ભીડ વધી જતાં સોશીયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતાં સી. આર. પાટીલે સભા મંચ પર જવાને બદલે કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી.

સોળસુંબા ગ્રામ પંચાયત ના નવા ભવન માટે આયોજિત કાર્યક્રમમાં  મોટી સંખ્યા માં  ભીડ ભેગી થઇ ગઈ હતી. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટિલની પ્રથમ મુલાકાત હોવાથી  ગ્રામ પંચાયતના  સરપંચે ઉત્સાહમાં કોરોના ગાઈડ લાઈનને  ભૂલાવી દીધી હતી. તેના કારણે  મોટી સંખ્યામાં  કાર્યકરો અને ગામ લોકો  પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં આવી સોશીયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. આ કારણે સી. આર. પાટીલે સભામાં જવાનું ટાળ્યું હતું. એકાએક સમારંભ રદ થતાં આયોજકો ભોંઠા પડ્યા હતા. આયોજકે પણ પોતે  ચૂક કરી હોવાનું સ્વીકાર્યું હતું.